સર્વ મિત્રો ને જય માતાજી
ચાલુ વર્ષે ચૈત્ર નવરાત્રિ અન્ય વર્ષોની સરખામણીએ અનોખી હશે. નવ દિવસની નવરાત્રિ આ વર્ષે ગ્રહ-નક્ષત્રને લીધે 10 દિવસની હશે. 23 માર્ચથી પ્રારંભ થઈને 1 એપ્રિલ સુધી નવરાત્રિ રહેશે. આ દિવસે રામનવમી અને ધર્મરાજ દશમી પણ મનાવાશે. જો કે શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે આસો સુદ નવરાત્રિ કરતાં ચૈત્ર નવરાત્રી શુદ્ધ અને પવિત્ર હોય છે. આ ઉપરાંત આ નવરાત્રિમાં કરેલ ધાર્મિક અનુષ્ઠાન, ઉપવાસ, હોમ-હવન જલ્દી લાભ અપાવનાર હોય છે.
શાસ્ત્રોક્ત રીતે જોવા જઈએ તો આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે નવરાત્રિ 10 દિવસો સુધી મનાવાશે. સામાન્ય રીતે નવરાત્રિ 9 દિવસ સુધી ઊજવવામાં આવે છે પરંતુ ક્ષય તિથિને લીધે કયારેક આઠ દિવસ સુધી નવરાત્રિ હોય છે. પરંતુ આવું પહેલીવાર થઈ રહ્યું છે કે જ્યારે તિથિ ક્ષય હોવા છતા તિથિમાં વધારો થઈ રહ્યો છે.
આ વર્ષની નવરાત્રિ 23 માર્ચથી શરૂ થઈ રહી છે. જેમાં છઠને બે દિવસ સુધી મનાવાશે. એક દિવસની વૃદ્ધિ થઈ રહી છે. અંગ્રેજી કૅલેન્ડરની તારીખ નક્કી રહે છે. જ્યારે તિથિની અવધિ ગ્રહ-નક્ષત્રોની ગતિ પર આધારિત હોય છે. એક તિથિ સમાપ્ત થવા પર બીજી તિથિ શરૂ થાય છે. આવું હંમેશાં નક્કી રહેતું હોય છે. ભારતીય જ્યોતિષમાં સૂર્યોદય તિથિને વિશેષ માન્યતા અપાઈ છે. એટલે કે, જે તિથિમાં સૂર્યોદય થાય છે તે તિથિ સંપૂર્ણ દિન માન્ય રહે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 23 માર્ચથી લઈને પહેલી એપ્રિલ સુધી રહેશે. 28 માર્ચના રોજ સૂર્યોદયથી લઈને સંપૂર્ણ રાત્રિ ષષ્ઠી તિથિ રહેશે. એટલું જ નહીં 29 માર્ચનો સૂર્યોદય છઠ તિથિ પૂરા સમય રહેશે.
સૂત્રો મુજબ આ વર્ષે ચૈત્ર નવરાત્રિની જેમ રામનવમી પણ વિશેષ રૂપથી મહત્વપૂર્ણ રહેશે. પ્રાચીન પાંડુલિપિઓના આધાર પર ભગવાન શ્રીરામની જે જન્મપત્રિકા છે તેવા જ ગ્રહ-નક્ષત્રોમાં આ વર્ષે રામનવમીનું પર્વ મનાવાશે.
ભગવાન શ્રી રામનો જન્મ પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રમાં થયો હતો. આ વર્ષે રામનવમી સમયે આ બધા નક્ષત્રો મળી રહ્યા છે. નવરાત્રિનું પર્વ હંમેશાંથી શુભ રહ્યું છે આ 10 દિવસોની અંદર ગૃહપ્રવેશ, ભૂમિપૂજન, નવીન કાર્ય સહિત તમામ શુભ કાર્ય કરાઈ શકાય તેમ છે.